૧૫ દિ’મા ગ્રાહકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી
પ્રાંતિજના નગરજનો ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજધાંધિયાથી તૌબા પોકારી ઊઠયા છે.જેનાથી ત્રસ્ત એક જાગૃત નાગરિક દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપનીને નોટીસ પાઠવવામાં આવી છે.જેમાં લો-વોલ્ટેજ તથા વીજ ધાંધિયાને લીધે નગરના યુ.જી.વી.સી.એલ.ના ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.ત્યારે તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે.જો ૧૫ દિ’મા આ હાલાકીનો ઉકેલ લાવવામાં નહીં આવે તો જાહેરહિતમા કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પ્રાંતિજ પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને એડવોકેટ એવાં મોહસિન છાલોટીયાએ યુજીવીસીએલના કાર્યપાલક ઈજનેર -હિમતનગર તથા પ્રાંતિજના નાયબ ઈજનેરને પાઠવેલ નોટીસમાં જણાવ્યું છે કે, વોર્ડ નં -૫ સહિત સમગ્ર ગામમાં અવારનવાર વીજળી ગુલ થઈ જાય છે.જેના પગલે ઉનાળાની આ આકરી ગરમીમાં બાળકો, વૃધ્ધો તથા બિમારોની હાલત કફોડી થઈ જાય છે.તો વીજ કંપનીના સૌ ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. ત્યારે નગરજનોને લાઈટ સંદર્ભે થતી હેરાનગતિ સામે વળતર ચૂકવવામાં આવે તથા તે માટે જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવામા આવે તેમ નોટીસમાં જણાવવામાં આવ્યું છે.
ઉપરાંત લો-વોલ્ટેજ તથા વારંવાર વીજ પુરવઠો ખોટકાવા મુદ્દે રજુઆતો થાય છે.તો યુ.જી.વી.સી.એલ.ના અધિકારી/ કર્મચારીઓ કહે છે કે, જગ્યા મળે તો નવી ડી.પી.નાખી શકાય. તો શું વીજકંપનીને તેના ગ્રાહકો જગ્યા આપે કે જગ્યા બતાવે ? ભૂતકાળમાં આ રીતે ડી.પી.ઓ કે થાંભલા ઉભા કરાયાં છે ? તેના મંજુરીપત્રો અરજદાર એડવોકેટ દ્વારા માંગવામાં આવ્યા છે.ગ્રાહકોને ઓછા વોલ્ટેજ આપી તંત્ર કોને પ્રોત્સાહન આપી રહ્યું છે ? તેવો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે.
પ્રાંતિજ નગરના યુ.જી.વી.સી.એલ.ના ગ્રાહકોની સમસ્યાઓનું ૧૫ દિવસમાં નિરાકરણ નહીં આવે તો નાછૂટકે જાહેરહિતમા કાયદાની રૂએ કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી અરજદાર એમ.એમ. છાલોટીયાએ ઉચ્ચારી છે.